ગુરુ. જેવું નામ એવા ગુણ. ગુરુ એટલે મોટું. ગુરું એટલે તમારી અંદરનો સદગુણ. ગુરુ એટલે તમારી અંદરનો ધર્મ. ગુરુ એટલે તમારા જીવંત ગુરુ. ગુરનો પાર પામવો અઘરો છે. જ્યોતિષશાસ્ત્રમાં આ ગ્રહને સૌથી પવિત્ર માનવામાં આવ્યો છે. કુંડળીમાં બીજા ગ્રહો પીડિત હોય અને એક ગુરુ મજબૂત હોય તો તરી જવાય. ને બીજા બધા ગ્રહો સારા હોય, પણ ગુરુ પીડિત હોય તો જાતકની મજબૂત નાવ પણ ડચકાં ખાતી થઈ જાય.
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમનું કામ રાજાને માર્ગદર્શન આપવાનું છે. તેમનું કામ ભણાવવાનું પણ છે. ગુરુ ધન, સંતાન અને આધ્યાત્મનો પણ કારક મનાય છે. શેરબજાર અને બેંકિંગ ગુરુ અંતર્ગત આવે છે. ગુરુ વિસ્તારનો કારક ગ્રહ છે. જ્યાં બેસે છે અને જ્યાં જોવે છે ત્યાં વૃદ્ધિ કરે છે. જો ગુરુની મૂળ ત્રિકોણ રાશિ છઠ્ઠા, આઠમા કે બારમા સ્થાનમાં ન આવતી હોય તો ગુરુ મોટા ભાગે પોઝિટીવ રીઝલ્ટ જ આપે છે.
ગોચરમાં ગુરુનું ખાસ મહત્ત્વ છે. કારણ કે તે શુભતાનો કારક ગ્રહ છે. તે જે ગ્રહ પરથી પસાર થાય તે ગ્રહ સંબંધિત કારકત્વોની સારી ઘટના જીવનમાં બને છે. ગુરુ જે સ્થાનને જોવે તે સ્થાન સંબંધિત સારી ઘટના જીવનમાં બને છે. ગુરુ જે ગ્રહોને જોવે છે તે ગ્રહો સંબંધિત પણ સારી ઘટના જીવનમાં બને છે. ગુરુ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું પણ કામ કરે છે. દા.ત. ગુરુ રોગ સ્થાનમાંથી પસાર થતો હોય કે જન્મ કુંડળીમાં રોગ સ્થાનના માલિક પરથી કે શનિ પરથી પસાર થતો હોય ત્યારે રોગ મટી જાય છે.
આવા ગુરુ મહારાજ પહેલી મેએ બપોરે 12.09 વાગ્યે રાશિ પરિવર્તન કરશે. તેઓ મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિ મહેનત, ધન, કલા, ભોજન વગેરેની રાશિ છે. ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશે એટલે બેંકિંગ ક્ષેત્રને ફાયદો થશે. વૃષભમાં ચંદ્ર ઉચ્ચનો થાય છે એટલે ચાંદી મોંઘી થશે. વૃષભ રાશિ કાળ પુરુષની કુંડળીમાં મુખ દર્શાવે છે. મુખ ભોજન માટે હોય છે. આથી અનાજ મોંઘું થશે. વૃષભ રાશિ શુક્રની રાશિ છે. આથી શુક્ર સંબંધિત ચીજો ખાસ કરીને કપાસ મોંઘું થશે. ગુરુ વૃષભમાં અતિચારી હોય ત્યારે શેરબજાર તૂટે. આવનારા એક મહિનામાં આ પ્રકારની ઘટના ઘટિત થઈ શકે છે. વિવિધ રાશિના લોકોના જીવન પર ગુરુ મહારાજ કેવી અસર કરશે તે જોઈએ.
મેષઃ તમારા ધનમાં વૃદ્ધિ થશે. તમને ગળ્યું ખાવું ગમશે. પરિવારમાં કોઈ વિવાદ ચાલતો હશે તો તે પૂરો થશે. માંદગી દૂર થશે. બેંકિંગ સેક્ટરમાં નોકરી કરતા જાતકોને લાભ થશે. સાસરા પક્ષને લાભ થાય. તમને રીસર્ચ કે ગુપ્ત સાધનામાં રસ પડે. કારકિર્દીમાં પ્રગતિ થાય. વિદેશથી, ઑનલાઈનથી કે હૉસ્પિટલથી આવકના સ્રોત ઊભા થઈ શકે. ભાગ્યમાં વૃદ્ધિ કરે.
વૃષભઃ જીવનમાં સકારાત્મકતાનો અનુભવ થશે. તમારા કામની નોંધ લેવાશે. તમને સન્માન મળશે. દામ્પત્ય જીવન સુખદ બનશે. ભાગીદારીના ધંધામાં ફાયદો થશે. સંતાનો માટે સારો સમય. શેર-સટ્ટાથી ફાયદો થાય. ભાગ્ય સાથ આપે. તમારા પિતા માટે સારો સમય. જીવનમાં મોટાપાયાનું પરિવર્તન આવવાની સંભાવના છે.
મિથુનઃ વિદેશયાત્રા થશે. આશ્રમની મુલાકાત લેવાથી લાભ થાય. તમે ઉદારતાથી ખર્ચ કરશો. જીવનસાથી તમારાથી દૂર જાય એવું બને. ભાગીદારી અલગ થઈ જાય એવું બને. આયાત-નિકાસના ધંધામાં ફાયદો થાય. તમે ધંધામાં કોઈ નવું સાહસ કરી શકો. તમારા સુખમાં વૃદ્ધિ થશે. નોકરીમાં લાભ થશે. જીવનમાં ઉતાર-ચડાવનો અનુભવ થશે.
કર્કઃ તમારું સન્માન થશે. સંતાનો, નાના ભાઈ-બહેન અને જીવનસાથી માટે સારો સમય. તમારી આવકમાં વધારો થશે. ભાગીદારી બિઝનેસમાં ગ્રોથ થશે. મેરેજ થઈ શકે. સંતાનનો જન્મ થઈ શકે. કળા અને માર્કેટિંગ ક્ષેત્રના જાતકોને વિશેષ ફાયદો થાય. શેરબજારમાં લાભ થઈ શકે. શત્રુઓથી લાભ થશે. તમારા પિતા માટે પણ સારો સમય.
સિંહઃ તમે તમારી કારકિર્દીમાં વધુને વધુ ઓતપ્રોત બનશો. તેમાં તમારી પ્રગતિ થશે. તમને પ્રમોશન મળી શકે. તમારી સેવિંગ્સમાં વૃદ્ધિ થઈ શકે. તમે નવી મિલકત ખરીદ કરી શકો છો. નોકરીમાં તમને કામ કરવાની વધારે મજા આવશે. રીસર્ચ અને ઉત્પાદન ક્ષેત્રના જાતકોને વિશેષ લાભ થશે. તમારા સંતાનોની પ્રગતિ થશે. જીવનમાં પરિવર્તન આવશે.
કન્યાઃ તમારે લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. ખાસ કરીને કારકિર્દી માટે વિદેશ યાત્રા થશે. મંદિરે નિયમિત દર્શન કરવા જવાથી ફાયદો થાય. તમારા પિતા માટે સારો સમય. ભાગ્ય તમારો સાથ આપશે. જેના છૂટાછેડા થઈ ગયા છે તેમના પુનઃ લગ્ન થશે. તમારા ઘરે સંતાનનું આગમન થઈ શકે છે. તમે જો કોઈ નવું સાહસ કરો તો તે સફળ થાય.
તુલાઃ તમારે આ વર્ષે સાહસ કરવાથી બચવા જેવું છે. આરોગ્યમાં અને નોકરીમાં ઉતાર-ચડાવ આવી શકે છે. તમારા નાના ભાઈ-બહેન માટે સારો સમય નથી. જોકે તમારી સેવિંગ્સ જેમ-તેમ કરીને બચી જશે. તમને ગુપ્ત સાધનામાં રસ પડશે. પડદા પાછળની પ્રવૃત્તિ, રીસર્ચ કે ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકોને વાંધો નહીં આવે.
વૃશ્ચિકઃ ભાગીદારીના ધંધામાં વૃદ્ધિ થશે. તમારા વિવાહ ન થયા હોય તો એક વર્ષમાં થઈ જશે. તમારું સાહસ સફળ થાય. માર્કેટિંગ અને કળાની કારકિર્દીમાં વિશેષ લાભ થશે. હુન્નર કામ, રીસર્ચ, મેડિકલ અને પ્રોબ્લેમ સોલ્વિંગનું કામ કરતા જાતકોને લાભ થશે. સેવિંગ્સમાં સારી એવી વૃદ્ધિ થશે. પ્રેમ-વિવાહ થઈ શકે. બીજા સંતાનનું આગમન થાય.
ધનઃ નોકરીમાં ફાયદો થશે. તમે માથા પર દેવું કરશો. હદથી વધારે કર્જ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલના દરદીઓએ સાચવવું. કારકિર્દીમાં પ્રગતિ થશે. ખાસ કરીને ફેમિલી બિઝનેસમાં. જવાબદારીઓ વધશે. આરોગ્ય સાચવવું. ટીચિંગની નોકરી કરતા જાતકોને ફાયદો થશે. ખર્ચમાં વૃદ્ધિ થશે. આશ્રમની મુલાકાત લેવાથી લાભ થાય.
મકરઃ તમારા ઘરે સંતાનનું આગમન થઈ શકે. શેર-સટ્ટામાં લાભ થાય. ઓલ ઓવર આવનારું એક વર્ષ સારું રહે. આવક વધે. સન્માન મળે. રીસર્ચ કે ગુપ્ત સાધનામાં સફળથા મળે. પિતા સાથે વિવાદ હોય તો સમાધાન થાય. ધાર્મિક યાત્રા થી લાભ થાય. તમે નવું રોકાણ કરી શકો છો. તમને તમારા સાહસમાં સફળતા મળે. ખાસ કરીને પરદેશમાં.
કુંભઃ તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. મિલકતની ખરીદી કરી શકો છો. તમારા સાસરિયા માટે સારો સમય. જે જાતકો કારકિર્દી માટે વિદેશ જવા માગે છે તેમના માટે નવા અવસરનું નિર્માણ થશે. પારિવારિક સુખમાં વૃદ્ધિ થશે. આધ્યાત્મમાં રસ ધરાવતા જાતકોને સારો લાભ થશે. તમે આશ્રમની મુલાકાત લઈ શકો છો. લો પ્રોફાઇલ રહેવાથી લાભ.
મીનઃ તમારા નાના ભાઈ-બહેન માટે સારો સમય. તમે કોઈ નવું સાહસ કરી શકો. ભાગ્ય તમારો સાથ આપે. આવકમાં વૃદ્ધિ થાય. સન્માન મળે. મેરેજ ન થતા હોય તેમના મેરેજ થઈ જાય. દામ્પત્ય જીવનમાં વિવાદ હોય તો અંત આવે. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. રીસર્ચ માટે લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. કારકિર્દીમાં કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરશો.