fbpx

જયા પાર્વતીના વ્રતનું મહાત્મ્ય શું છે?

જયા પાર્વતીના વ્રતનું મહાત્મ્ય શું છે?

ऊँ उमामहेश्वराभ्यां नमः ।
ऊँ पार्वत्यै नमः ।

અષાઢ શુક્લ તેરસથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થાય છે. યુવાવસ્થાના ઉંબરે પહોંચેલી કુંવારી દીકરીઓ આ વ્રત કરે છે. ચાર વર્ષ સુધી માવતરમાં વ્રત કરે છે અને પાંચમું વર્ષ સાસરે જોઈએ ઉજવે છે. કોઈ બહેનો એક દિવસના ઉપવાસ કરે છે તો કોઈ પાંચ દિવસના. આ પાંચ દિવસ સુધી નમક વિનાનું એકટાણું કરવાનું હોય છે. આ વ્રતને વિજયા પાર્વતી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌપ્રથમ ભગવાન વિષ્ણુએ મા લક્ષ્મીને આ વ્રત વિશે વાત કરી હતી. મા સીતાએ પણ મનવાંછિત વર મેળવવા માટે આ વ્રત કર્યું હતું.

પૂજા વિધિ

  1. બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી જવું. બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયના દોઢ કલાક પહેલા.
  2. ઊઠીને સ્નાન કરી લેવું. સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો.
  3. ઘર-મંદિરમાં શિવ-પાર્વતીની મૂર્તિ અથવા છબિ સ્થાપિત કરો.
  4. પુષ્પ, કુમકુમ સહિત વિવિધ પૂજા સામગ્રી થકી ઉમા-મહેશ્વરની પૂજા કરો.
  5. ઋતુ અનુસાર ફળ અથવા નાળિયેર ધરો.
  6. માતા પાર્વતીનું ધ્યાન ધરો. તેમની સ્તુતિ કરો.
  7. કથા શ્રવણ કરો. ભૂલચૂક માટે માતાજીની ક્ષમા માગો.
  8. બ્રાહ્ણણોને ભોજન કરાવો. દાન-દક્ષિણા આપો.
  9. કેટલાક રાજ્યોમાં રેતીનો હાથી બનાવીને તેની પૂજા કરાય છે અને પાંચ દિવસના અંતે રાત્રિ જાગરણ બાદ હાથીને નદીમાં વિસર્જિત કરવામાં આવે છે.

કથા

પૌરાણિક કથા પ્રમાણે કૌડિન્ય નગરમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ હતું સત્યા. ઘરમાં કોઈ પણ પ્રકારની કમી નહોતી. કમી હતી તો એ કે ઘરમાં ખોળાનો ખૂંદનારો નહોતો. પતિ-પત્ની બંને ધર્મ પરાયણ હતા. એક દિવસ નારદજી તેમના ઘરે પધાર્યા. દંપતીએ તેમની ખૂબ સેવા કરી. નારદજીએ તેમનું સુખ-દુઃખ પૂછતા તેમણે પેટ છૂટી વાત કરી, ‘અમારા ઘરે સંતાન નથી. તેનો ઉપાય બતાવો.’

તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં એક શિવલિંગ છે. ત્યાં મા પાર્વતી અને ભગવાન શિવ બંને હાજરા-હજુર છે. આ શિવલિંગ વર્ષોથી અપૂજ છે. તેની પૂજા કરો. તેમ કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂરી થશે. દંપતી રોજ શિવલિંગની પૂજા કરવા લાગ્યું. માથા પરથી ખાલી વાદળા પસાર થાય એમ જોતજોતામાં પાંચ વર્ષ પસાર થઈ ગયા.

એક દિવસ બ્રાહ્મણ ફૂલ તોડવા માટે વનમાં જરા આઘે ગયો. ત્યાં તેને સર્પે દંશ માર્યો. તે ત્યાં જ મૂર્છિત થઈ ગયો. આ બાજુ પતિને ગયાને ઘણી વાર થઈ ગઈ હોવાથી તેની પત્ની સત્યા વિહવળ થવા લાગી. તેણે મનોમન મા પાર્વતીને પ્રાર્થના કરી. દંપતી પાંચ વર્ષથી શિવ-પાર્વતીની આરાધના કરતું હતું. તેમની એકનિષ્ઠ પૂજાથી મા પાર્વતી પ્રસન્ન થયા અને બ્રાહ્મણના મુખમાં સંજિવની નાખી તેને પુનઃજીવિત કર્યો.

પુનઃજીવિત થયેલો બ્રાહ્મણ તરત જ ઘરે પહોંચ્યો. માતા પાર્વતીએ બંનેને દર્શન આપ્યા. દંપતીએ મા પાર્વતીની સ્તુતિ કરી તેમનું નિસંતાનપણું દૂર કરવા માટે પ્રાર્થના કરી. મા પાર્વતીએ સત્યાને જયા પાર્વતીનું વ્રત કરવા કહ્યું.
સત્યાએ જયા પાર્વતીનું વ્રત કર્યું. અને તેમના ઘરે પુત્ર રત્નનો જન્મ થયો.

જયા પાર્વતીનું વ્રત કરનારી બહેનોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ તો થાય જ છે. સાથોસાથ જે બહેનોને સંતાન ન હોય તે પણ આ વ્રત કરી શકે છે.
હે મા પાર્વતી જેવા વામન અને સત્યાને ફળ્યા એવા સહુને ફળજો.

આભાર
એસ્ટ્રોપથ
કુલદીપ કારિયા
88661 88671

Recent Post

Scroll to Top