fbpx

શું તમે તમારું ભાગ્ય બદલવા માગો છો? પહેલા આ કથા વાંચી લો

શું તમે તમારું ભાગ્ય બદલવા માગો છો? પહેલા આ કથા વાંચી લો

પૌરાણિક કથા પ્રમાણે રાવણ ઇચ્છતો હતો કે તેનો પુત્ર અજેય બને. બધા જ સુખ તેની પાસે હોય. રાવણ તો જ્યોતિષશાસ્ત્રનો જ્ઞાતા હતો. તેને ખબર હતી કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રહયોગ કેવા હોઈ શકે! વળી, અહંકારી પણ હતો. આથી અશક્યને શક્ય બનાવવા માગતો હતો. તે માટે કોઈ પણ હદે જવા તૈયાર હતો. તેણે મેઘનાદના જન્મ વખતે તમામ ગ્રહોને કેદ કરી પુત્રની કુંડળીના 11મા સ્થાનમાં આવે એ રીતે બેસાડી દીધા. દેવોને ખબર હતી કે શું અનર્થ થવા જઈ રહ્યું છે. તેમણે તરત જ ભગવાન શિવને પ્રાર્થના કરી, ‘આનો કંઈક રસ્તો કાઢો.’

ભગવાન શિવે શનિને આદેશ કરતા કર્મ-ફળનો દેવતા રાવણની કેદ તોડીને 12મા સ્થાનમાં ગોઠવાઈ ગયો. આ સમય એ હતો જ્યારે મેઘનાદ જન્મ લઈ રહ્યો હતો. રાવણે જોયું કે શનિ 12મે ગોઠવાઈ ગયો છે. તેણે તરત જ શનિ મહારાજના પગ પર કુહાડો માર્યો. અને તેમનો લોહીલુહાણ પગ કપાઈને કુંડળીના પ્રથમ સ્થાન પર પડ્યો. તે પગ એટલે ઉપગ્રહ માંદી. માંદી ઉપગ્રહ કુંડળીના પ્રથમ સ્થાનમાં હોય તો નાની ઉંમરે મૃત્યુ થાય છે. મેઘનાદ સાથે પણ એ જ થયું. તે ઇન્દ્રજીત તો બન્યો, પરંતુ લક્ષ્મણના હાથે નાની ઉંમરે હણાયો.
દોસ્તો, નસીબ ખરાબ હોય તો ભગવાનની ભક્તિ કરવી, ઉપવાસ-એકટાણા કરવાં, દાન-પુન કરવાં, પણ ક્યારેય છળ-કપટથી આગળ આવવાની કોશિશ ન કરવી. દુઃખ સહન કરી લેવું. દુઃખ પછી સુખનો સૂરજ ઊગશે એ વિશ્વાસ રાખવો. શોર્ટ કટ ન લેવા. બાકી ભગવાન શિવ અને શનિદેવ આપણા પણ એ જ હાલ કરશે, જે રાવણના પુત્રના થયાં હતાં. જ્યોતિષશાસ્ત્ર વરસાદ હોય તો તમને છત્રી આપી શકે છે, પણ વરસાદ રોકી શકતું નથી. આથી ચમત્કારના ચક્કરમાં પડવું નહીં.

રાવણ તમામ શાસ્ત્રોનો જ્ઞાતા હતો. વેદનો ગાયક હતો, શિવભક્ત હતો, પણ તેના ખરાબ ચરિત્ર અને ખરાબ કર્મોએ તેનો વધ કર્યો. કર્મ અને ચરિત્ર ખરાબ હોય તો ધર્મ પણ તારી શકતો નથી. ચરિત્ર સારું હશે, કર્મ સારાં હશે તો શનિદેવ, ભગવાન રામ અને ભગવાન શિવ આપણને ઉગારશે. તેના માટે અધીરાઈ કે ચતુરાઈ કરવી નહીં. કોઈ લાખ કરે ચતુરાઈ, કરમ કા ખેલ…

જય સિયારામ
દશેરાની શુભકામનાઓ

આભાર
એસ્ટ્રોપથ
કુલદીપ કારિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Recent Post

Scroll to Top