ઓક્ટોબરમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને શનિ ગ્રહની સ્થિતિ અને ચાલ બદલાઈ રહી છે. આ સંજોગોમાં જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ઓક્ટોબરનો મહિનો બહુ જ મહત્ત્વનો મનાય છે. આ ગ્રહોના પરિવર્તનના કારણે હવામાન, અર્થ વ્યવસ્થા, રાજકારણ તેમજ રાશિઓ પ્રભાવિત થશે. આ જ મહિને સૂર્યગ્રહણ પણ સર્જાશે જેનો પ્રભાવ તમામ રાશિઓ ઉપરાંત બજાર, હવામાન અને રાજકારણ પર જોવા મળશે. ત્યારે જાણીએ કે ઓક્ટોબરમાં ક્યારે કયા ગ્રહો રાશિ અને ચાલ બદલી રહ્યા છે અને તેનો કેવો પ્રભાવ રહેશે.
ઓક્ટોબરમાં આ ગ્રહોના ગોચર
બુધ કન્યા રાશિમાં માર્ગી – 2 ઓક્ટોબર 2022
મંગળનું મિથુન રાશિમાં ગોચર – 16 ઓક્ટોબર 2022
સૂર્યનું તુલા રાશિમાં ગોચર – 17 ઓક્ટોબર 2022
શુક્રનું તુલા રાશિમાં ગોચર – 18 ઓક્ટોબર 2022
શનિ મકર રાશિમાં માર્ગી – 23 ઓક્ટોબર 2022
સૂર્યગ્રહણ – 25 ઓક્ટોબર 2022
બુધનું તુલા રાશિમાં ગોચર – 26 ઓક્ટોબર 2022
મંગળ મિથુનમાં વક્રી – 30 ઓક્ટોબર 2022
ઓક્ટોબરમાં બુધ બદલશે રાશિ અને ચાલ
બુધ 2 ઓક્ટોબરે પોતાની સ્વરાશિ કન્યામાં માર્ગી થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર બાદ જો કોઈ ગ્રહ ઝડપથી પોતાની ચાલ બદલતો હોય તો એ બુધ છે. રવિવારે 2 ઓક્ટોબરે બપોરે 2 વાગીને 35 મિનિટે બુધ પોતાની ચાલ બદલશે. આમ તો કોઈપણ ગ્રહનું માર્ગી થવું જાતકોના જીવન પર અનુકૂળ પ્રભાવ પાડે છે, પણ એ સંપૂર્ણ રીતે વ્યક્તિની કુંડળીમાં બુધની સ્થિતિ પર આધાર રાખે છે. 26 ઓક્ટોબરે બુધ કન્યામાંથી તુલામાં આવશે અને એના કારણે માર્કેટમાં ખુબ જ ઉતાર-ચડાવ જોવા મળશે.
ઓક્ટોબરમાં મંગળનું રાશિ પરિવર્તન
મંગળ 16 ઓક્ટોબરે સવારે 6 વાગીને 35 મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં મંગળને નવગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળને ઉર્જા, શક્તિ અને સાહસનો પ્રેરક ગ્રહ માનવામાં આવે છે. મંગળ સીધો જ વ્યક્તિના સ્વભાવ અને વ્યવહારને પ્રભાવિત કરે છે. મંગળનું મિથુન રાશિમાં ગોચર તમામ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પાડશે. મિથુન રાશિના લોકોમાં જોશ અને ઉત્સાહનો સંચાર થશે. આત્મવિશ્વાસ વધવાથી તેમને લાભ થશે પણ જોખમ લેવાથી બચવું પડશે. આ મહિનાના અંતમાં એટલે કે 30 ઓક્ટોબરે મંગળ મિથુન રાશિમાં વક્રી થશે, પણ એનો વધુ પ્રભાવ ઓક્ટોબર નહીં, પણ નવેમ્બરમાં જોવા મળશે.
ઓક્ટોબરમાં સૂર્યનું તુલા રાશિમાં ગોચર
સૂર્ય 17 ઓક્ટોબરે સાંજે 7 વાગીને 22 મિનિટે રાશિ પરિવર્તન કરીને તુલામાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવ્યો છે. આ ગોચર દરમિયાન સૂર્ય પોતાની નીચ અવસ્થામાં હશે. વાસ્તવમાં જ્યોતિષ મુજબ સૂર્ય જ્યારે મેષ રાશિમાં હોય ત્યારે પોતાની ઉચ્ચ અવસ્થા અને તુલામાં જાય ત્યારે નીચ અવસ્થામાં હોય છે.
ઓક્ટોબરમાં શુક્રનું તુલા રાશિમાં ગોચર
શુક્ર 18 ઓક્ટોબરે રાત્રે લગભગ 9 વાગીને 25 મિનિટે તુલા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને એક શુભ ગ્રહ માનવામાં આવે છે. શુક્ર પ્રેમસંબંધ, ભૌતિક સુખ અને સુવિધાઓનો કારક ગ્રહ મનાય છે. એવામાં શુક્રનો પોતાની રાશિ તુલામાં પ્રવેશ અનેક રાશિઓ માટે લાભકારી સાબિત થઈ શકે છે.
ઓક્ટોબરમાં શનિ મકર રાશિમાં માર્ગી થશે
શનિ 23 ઓક્ટોબરે મકર રાશિમાં માર્ગી થશે. આ ગોચરની ખાસ વાત એ છે કે શનિ મકર રાશિનો સ્વામી છે. આ સંજોગોમાં શનિનું ચાલ પરિવર્તન અનેક રાશિઓ માટે શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. જોકે કેટલાક લોકોને ખરાબ પરિણામો પણ આપી શકે છે. શનિ સવારે 4 વાગીને 20 મિનિટે પોતાની ચાલ બદલશે. હાલ શનિ વક્રી ચાલી રહ્યો છે.
25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ
25 ઓક્ટોબરે સૂર્યને ગ્રહણ લાગવાનુ છે. જે આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ હશે. 25 ઓક્ટોબરને મંગળવારે બપોરે 2 વાગીને 29 મિનિટથી સાંજે 6 વાગીને 32 મિનિટ સુધી સૂર્યગ્રહણ રહેશે. એ સૂર્યગ્રહણ આ વર્ષનું બીજુ અને ભારતમાં દૃશ્યમાન થનારુ પહેલું સૂર્યગ્રહણ હશે. સૂર્યગ્રહણ તમામ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પાડશે.
આભાર
ટીમ એસ્ટ્રોપથ