મૃત્યુ પછી જ્યારે કર્ણ યમલોકમાં ગયો ત્યારે યમરાજે તેને રહેવા માટે સુવર્ણનો મહેલ આપ્યો. ત્યાં તમામ પ્રકારની સુખ-સુવિધા હતી, પરંતુ ભોજન નહોતું. કર્ણને ભૂખ લાગી. તેણે ખાવાનું માગ્યું, પણ ન મળ્યું. તેણે યમરાજને પૂછ્યું, ‘મને ભોજન શા માટે આપવામાં આવતું નથી?’ યમરાજે કહ્યું, ‘તમે જ્યારે મૃત્યુલોકમાં હતા ત્યારે તમે તમામ પ્રકારનું દાન કર્યું છે, પરંતુ ભોજનનું દાન કર્યું નથી. આથી તમને ભોજન પ્રાપ્ત થશે નહીં.’
કર્ણએ કહ્યું, ‘હે મહારાજ, મને મારી ભૂલ સમજાય છે. હવે તેનું નિવારણ કઈ રીતે કરુ? તે તમે મને જણાવો.’
યમરાજે કહ્યું, ‘ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષના 15 દિવસ આવશે ત્યારે તમે પૃથ્વી પર જજો અને અન્નદાન કરજો.’
કર્ણએ તેમ કર્યું અને પરલોકમાં શાંતિ પ્રાપ્ત કરી.
આ કથા અન્નદાનનું મહત્ત્વ સમજાવે છે. આપણે ભણી ગણી લઈએ એટલે આપણને એમ થઈ જાય છે કે ઇહલોક અને પરલોકની વાત એક વૃથા કલ્પના છે. હું પણ એક સમયે આ બધું ખોટું માનતો હતો. પરંતુ અનુભવે માનતો થયો છું કે પુણ્ય છે, પાપ છે, મૃત્યુલોક છે અને પરલોક પણ છે.
માણસ જેવા કર્મ કરે એવું તે પ્રાપ્ત કરે છે. ભાદરવાના શ્રાદ્ધના 15 દિવસ પોતાની ભૂલ સુધારવાનો અવસર છે. જાણે-અજાણ્યે પિતૃઓને દુઃખ પહોંચ્યું હોય તો તેમને યાદ કરીને અન્નદાન કરવું જોઈએ. તેનાથી આપણા અને તેમના બંનેના જીવને આનંદ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. અહીં લોજિક-ફોજિક કામ કરતું નથી. આ દુનિયા લોજીકથી ઉપરની છે. આ દુનિયા કૃપા અને આશીર્વાદની છે.
મહેનત તો સહુ કોઈ કરે છે, પણ મહેનતથી સાથોસાથ જે વ્યક્તિ દાનપૂણ્ય કરી આશીર્વાદ મેળવે છે તે અણધારી સફળતા પ્રાપ્ત કરે છે.
જ્યોતિષશાસ્ત્રમાં મઘા નક્ષત્રના દેવતા પિતૃ છે. જે જાતકનો જન્મ મઘા નક્ષત્રમાં થયો હોય તેમના પર પિતૃઓના આશીર્વાદ હોય છે. મઘા નક્ષત્રમાં સૂર્ય, ચંદ્ર કે બીજા કોઈ પણ ગ્રહ બેઠા હોય તેઓએ ખાસ ભાદરવામાં અન્નદાન કરવું જોઈએ.
ઓમ પિતૃદેવાય નમઃ