fbpx

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે

बृहस्पतये नमः।
पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः।
जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।।

‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે શ્લોક છે. તેનો અર્થ થાય છે, ‘મારા બૃહસ્પતિ દેવને નમસ્કાર છે. તેઓ પીંગળવર્ણ ધરાવતા, શ્રીમંત, ગ્રહોના અધિપતિ, દેવતાઓના આચાર્ય અને કૃપાના ખજાના છે. તેઓ જ્ઞાનના સ્રોત અને સર્વશાસ્ત્રના મહાન જ્ઞાતા છે.’ પીંગળ વર્ણ એટલે લાલાશ પડતો પીળો રંગ. કેસરીયો પીળો, હળદરિયો પીળો.

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જીવકારક કહેવામાં આવ્યો છે. તે જ્યાં બેસે અને જ્યાં દૃષ્ટિ કરે ત્યાં પ્રાણ સંચાર કરે છે. તે સ્થાનોને એક્ટિવેટ કરે છે. શનિ એ ઋણ ભાર છે અને ગુરુ ધન ભાર. ગુરુ મોટા ભાગે પોઝિટીવ રીઝલ્ટ આપે છે. મોટા ભાગે સકારાત્મક ઘટના સૂચવે છે. ગુરુ ફાઇનાન્સ, સંતાન અને અધ્યાત્મિકતાનો કારક ગ્રહ છે. ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ્ઞાનનો કારક છે. લર્નિંગ અને મેમરીનો કારક છે. ઉચ્ચ બુદ્ધિમતાનો કારક છે. ગુરુને વિસ્તારનો કારક ગ્રહ કહેવામાં આવ્યો છે. તે જ્યાં દૃષ્ટિ કરે તે સ્થાનનો વિસ્તાર કરે છે. ગુરુ મંત્રી છે, આજના સમય પ્રમાણે કહીએ તો મેનેજર છે, એડવાઇઝર છે. ગુરુ બેન્કર છે. તે ધનભુવનમાં નિવાસ કરે છે. ગુરુ વિઝ્ડમનો કારક છે. તે વાદ-વિવાદના સમાધાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ગુરુ. નામ પરથી જ તેના ગુણ પ્રગટ થાય છે. ગુરુ એટલે કંઈક મોટું. સમથિંગ બિગ. જે જાતકની કુંડળી ગુરુ પ્રધાન હોય તેમનું શરીર જાડું હોય. તમે માર્ક કરજો, પ્રોફેસરો, શેર માર્કેટ એનાલિસ્ટો, બેંક મેનેજરો, વિદ્વાનો, ગોર મહારાજો ભાગ્યે જ દૂબળા હોય. તેઓ મોટા ભાગે જાડા જ હોય. ગુરુ બલ્કી બોડી આપે. મેદ પર ગુરુનું આધિપત્ય છે. ગુરુને ગળપણ પ્રિય છે.

આવા ગુરુ મહારાજ નવમી ઓક્ટોબરે વૃષભ રાશિમાં વક્રી થશે. તેઓ ચોથી ફેબ્રુઆરી સુધી વક્રી રહેશે. કોઈ ગ્રહ વક્રી થતો નથી, પરંતુ પૃથ્વી પરથી જોતા તે પાછળ તરફ ગતિ કરતો હોય તેવો ભાસ થાય છે. આ રીતે કોઈ ગ્રહ જ્યારે વક્રી હોય ત્યારે પૃથ્વી પર તેની અસર ત્રણ ગણી વધારે થાય છે. ગુરુ વક્રી છે ત્યારે શેરબજારમાં મોટુ નુકસાન થઈ શકે છે. 1929માં અમેરિકામાં ગ્રેટ ડીપ્રેશન આવ્યું ત્યારે ગુરુ વક્રી હતો. 14મી ઓક્ટોબરથી દિવાળી વચ્ચે વક્રી ગુરુ ફરી શેરબજારમાં ભૂકંપ લાવી શકે છે.

ગુરુ વક્રી હશે તે ચાર મહિના દરમિયાન મનોરંજન, એફએમસીજી, બેન્કિંગ એન્ડ ફાયનાન્સ, મીડિયા, સ્યુગર, લક્ઝરી વાહનો, મોટર સાયકલ, કાર, હોટલ, પર્ફ્યુમ, કેસ્મેટિક્સ, ગાર્મેન્ટ્સ વગેરે ક્ષેત્રોમાં નવાજૂની થઈ શકે છે. સોનું મોંઘું થશે.

બૃહદ્ પરાશર હોરાશાસ્ત્રમાં કહ્યું છે કે,

“वक्रस्थितो गुरुः पापं क्रियाः शुभफलक्षयः।”

ગુરુ વક્રી હોય ત્યારે શુભફળનો નાશ થાય છે અને પાપ વધી જાય છે.
28મી નવેમ્બર સુધી શનિ પણ વક્રી છે. ગુરુ-શનિ બંને ગ્રહો વક્રી હોય ત્યારે મોટી ઘટનાઓ આકાર લેતી હોય છે. ગુરુનું વક્રત્વ શરૂ થાય છે ત્યારથી શનિનું વક્રત્વ અંત થાય છે ત્યાં સુધીમાં એટલે કે નવમી ઓક્ટોબરથી નવેમ્બર એન્ડ સુધીમાં બારેબાર રાશિના જાતકો પર શું અસર થશે તે જોઈએ.

મેષઃ તમારી કુંડળીમાં બીજા સ્થાનમાં વક્રી થશે. તે નવમા અને બારમા સ્થાનનો માલિક બને છે. ભાગ્યની ચાલ બદલાશે. વિદેશ યાત્રા થઈ શકે છે. વાણી પર સંયમ રાખજો. મોટું આર્થિક નુકસાન ન ઉઠાવવું પડે તેનું ધ્યાન રાખજો. પિતાથી, ધાર્મિક પ્રવૃત્તિથી કે પરદેશથી ધનલાભ થઈ શકે છે. કારકિર્દી માટે મહત્ત્વનો સમય રહેશે.

વૃષભઃ તમારી કુંડળીમાં ગુરુ પ્રથમ સ્થાનમાં વક્રી થશે. તે આઠમા અને 11મા સ્થાનનો માલિક બને છે. આવકમાં વધારો થશે. મિત્રોથી લાભ થશે. જીવનમાં મોટા ઉતાર-ચડાવ આવી શકે છે. કારકિર્દી માટે મહત્ત્વનો સમય છે. શેરબજારમાં લાભ થશે. તમારા ઘરે સંતાન જન્મ થઈ શકે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ સારો રહેશે.

મિથુનઃ તમારી કુંડળીમાં ગુરુ બારમા સ્થાનમાં વક્રી થશે. તે સાતમા અને બારમા સ્થાનનો માલિક બને છે. વિદેશ યાત્રા થઈ શકે છે. ધાર્મિક યાત્રા કે આશ્રમની મુલાકાતે જવું લાભદાયી નીવડે. તમે ઉદારતાથી દાન-પૂણ્ય કરશો. કારકિર્દી અર્થે લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. તમારા જીવનસાથી કે પાર્ટનર કોઈ કારણસર તમારાથી દૂર જાય.

કર્કઃ તમારી કુંડળીમાં ગુરુ 11મા સ્થાનમાં વક્રી થશે. તે છઠ્ઠા અને નવમા સ્થાનનો માલિક બને છે. તમારા આરોગ્યનું ધ્યાન રાખશો. આર્થિક લાભના યોગ બને છે. તમારા સંતાનો માટે સારો સમય છે. શેરબજારમાં લાભ થશે. દામ્પત્ય અને ભાગીદારીમાં સારો સમય. ભાગ્ય સાથ આપશે. તમારા પિતા અને નાના-ભાઈ બહેન માટે સારો સમય.

સિંહઃ તમારી કુંડળીમાં ગુરુ 10મા સ્થાનમાં વક્રી થશે. તે પાંચમા અને આઠમા સ્થાનનો માલિક બને છે. કરિયરમાં કંઈક નવાજૂની થશે. યશ-કીર્તિ મળશે. ધન વૃદ્ધિ થશે. આરોગ્ય સુધરશે. વાદ-વિવાદનો અંત આવશે. તમે નવી મિલકત ખરીદ કરવાનો વિચાર કરી શકો છો. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. શેર માર્કેટમાં લાભ થઈ શકે છે.

કન્યાઃ તમારી કુંડળીમાં ગુરુ નવમા સ્થાનમાં વક્રી થશે. તે ચોથા અને સાતમા સ્થાનનો માલિક બને છે. ભાગીદારી બિઝનેસમાં તમે કોઈ નવું સાહસ કરશો અને ભાગ્ય તમારો સાથ આપશે. લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. તમે ધાર્મિક કાર્યો કરી શકો છો. શેર માર્કેટમાં બહુ રીસ્ક લેવું નહીં. સંતાનોની કાળજી રાખવી. મિશ્ર સમય રહેશે.

તુલાઃ તમારી કુંડળીમાં ગુરુ આઠમા સ્થાનમાં વક્રી થશે. તે ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક બને છે. તમારા નાના ભાઈ-બહેનના જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. તમારા સંતાનની કાળજી લેવી. તમારું આરોગ્ય પણ સાચવવું. ગુપ્ત સાધના કરવા માટે સારો સમય છે. નાણાકીય બાબતોમાં સંભાળીને ચાલવું. લોન ન લેવી.

વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં ગુરુ સાતમા સ્થાનમાં વક્રી થશે. તે બીજા અને પાંચમા સ્થાનનો માલિક બને છે. નાણાકીય બાબતોમાં સાચવવું. શેરબજારમાં ખોટું સાહસ ન કરવું. ભાગીદારી બિઝનેસમાં મુશ્કેલી આવે. દામ્પત્ય જીવનમાં સંઘર્ષ વધે. બચત ખર્ચાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. જીવનસાથીના આરોગ્યની કાળજી લેવી.

ધનઃ તમારી કુંડળીમાં ગુરુ છઠ્ઠા સ્થાનમાં વક્રી થશે. તે પહેલા અને ચોથા સ્થાનનો માલિક બને છે. લિવર, કોલ્સ્ટ્રોલ, થાઇરોઇડ અને શ્યુગરના દરદીઓએ આરોગ્ય સાચવવું. લોન ન લેવી. ખોટા નાણાકીય સાહસો ન કરવા. મિલકત સંબંધિત વિવાદ ઊભો થઈ શકે છે. પરિવારની કાળજી રાખવી. કારકિર્દીમાં અને નોકરીમાં સ્થિરતા જાળવવી.

મકરઃ તમારી કુંડળીમાં ગુરુ પાંચમા સ્થાનમાં વક્રી થશે. તે ત્રીજા અને બારમા સ્થાનનો માલિક બને છે. શેરબજારમાં ખોટા સાહસો ન કરવા. સંતાન જન્મ થઈ શકે છે. તમારી કોમ્યુનિખેશન સ્કિલ પ્રભાવશાળી બનશે. ધાર્મિક યાત્રા થઈ શકે છે. ભાગ્ય સાથ આપશે. આવકમાં વધારો થાય એવી સંભાવના છે. નાના ભાઈ-બહેન માટે સારો સમય.

કુંભઃ તમારી કુંડળીમાં ગુરુ ચોથા સ્થાનમાં વક્રી થશે. તે બીજા અને 11મા સ્થાનનો માલિક બનશે. તમે નવી મિલકત ખરીદી શકો છો. કારકિર્દી માટે ખૂબ સારો સમય છે. લાંબા અંતરની યાત્રા સફળ નીવડે. ગુપ્ત સાધનાથી લાભ થાય. જીવનમાં ઈશ્વરની કૃપાનો અનુભવ થશે. માનસિક શાંતિનો અનુભવ થાય. જીવનનો મહત્ત્વનો સમય બની રહે.

મીનઃ તમારી કુંડળીમાં ગુરુ ત્રીજા સ્થાનમાં વક્રી થશે. તમે નવા સાહસ કરવા પ્રેરાશો. મેરેજ લાઇફ સારી રહેશે. ભાગીદારી બિઝનેસ શરૂ કરો અથવા તેમાં પ્રગતી થાય. ભાગ્ય સાથ આપશે. આવક વધશે. તમારા નાના ભાઈ-બહેન માટે સારો સમય. કોમ્યુનિકેશનથી લાભ થશે. કારકિર્દી માટે ટ્રાવેલિંગ થાય. તેમાં કેટલાક પરિવર્તનો પણ આવે.

Recent Post

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે

बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે

Read More »
Scroll to Top