શનિ. ભારતમાં સૌથી વધુ ગેરસમજનો શિકાર ગ્રહ. બધાને એમ હોય છે કે મને શનિ નડે છે, શનિ બહુ કષ્ટ આપે છે, પણ શું ખરેખર એવું છે? ના. શનિ વિશે જાણતા પહેલા એટલું ક્લિઅર સમજી લેવું જોઈએ કે દરેક ગ્રહ સારા અને ખરાબ ફળ આપે છે. કોઈ ગ્રહ ઉચ્ચનો હોય તો તે પણ કોઈને કોઈ તો ખરાબ ફળ આપવાનો જ. એક રીતે જોઈએ તો સારું શું અને ખરાબ શું એની વ્યાખ્યા બહુ સાપેક્ષ છે. આ વિશે દરેકનો મત ભીન્ન હોઈ શકે, કિંતુ ઇન જનરલ જોઈએ, સામાન્ય સંસારી મનુષ્ય તરીકે જોઈએ તો આપણને એક કોમન ડેફિનેશન મળી આવવાની. દા.ત. મેરેજ ન થવાને આપણે ખરાબ માનીએ છીએ. આમ આપણી દૃષ્ટિએ દરેક ગ્રહના પોઝિટીવ-નેગેટીવ રીઝલ્ટ્સ આપણને મળવાના. તે ગ્રહ ઉચ્ચનો હોય, સ્વરાશિમાં બિરાજમાન હોય તો તેના પોઝિટીવ રીઝલ્ટ્સ ઝાઝા હોવાના. ને કોઈ ગ્રહ શત્રુ રાશિમાં બેઠો હોય, નીચનો હોય તો તે નકારાત્મક પરિણામ વધારે આપશે. હવે પાછા મૂળ વાત પર.
શનિ શામાટે આપણને નથી ગમતો? કારણ કે શનિ વાસ્તવિકતાનો કારક છે. ચંદ્ર કલ્પનાનો કારક છે અને શનિ વાસ્તવિકતાનો. આપણા મનને કલ્પના ગમે છે અને વાસ્તવિકતા કઠે છે એટલે આપણને શનિના ફળ કડવા લાગે છે. જે વ્યક્તિ કલ્પનામાં નથી જીવતી, જે વ્યક્તિ હંમેશા પગ જમીન પર રાખે છે, જે વ્યક્તિ વાસ્તવદર્શી છે તેને શનિ ક્યારેય આકરો ગ્રહ લાગશે નહીં.
શનિની સાડાસાતી આવે ત્યારે તે ચંદ્રની નજીકથી પસાર થતો હોય છે. આથી આપણા કલ્પનાશીલ મનને વાસ્તવિકતાના કડવા ઘૂટડા પીવાનો વારો આવે છે, જે આપણને ગમતું નથી. અહીં પણ એ જ નિયમ લાગું પડશે. જે વ્યક્તિ વાસ્તવવાદી બનશે, સત્ય જોતા અને સ્વીકારતા શીખશે, પોતાની મર્યાદાઓને ઓળખશે તેને સાડાસાતી કઠિન લાગશે નહીં. અનુરાગ કશ્યપની ફિલ્મોમાં જેવી હાર્શ રિયલિટી દેખાડવામાં આવે છેને? શનિ બસ એટલો જ રિયલિસ્ટ છે.
શનિ કુંડળીમાં જ્યાં બેઠો હોય તે પ્રાપ્ત કરવા માટે તમારે કાળી મજૂરી કરવી પડે. કારણ કે શનિ લેબરનો કારક છે. શનિ બીજા સ્થાનમાં હોય તો પરિવાર અને ધન માટે મહેનત કરાવે, શનિ ચોથા સ્થાનમાં હોય તો પ્રોપર્ટી માટે મજૂરી કરાવે, પાંચમા સ્થાનમાં હોય તો બેચલર એજ્યુકેશન માટે હાર્ડવર્ક કરાવે. તમે મહેનતું છો, પરિશ્રમી છો તો ક્યારેય એવી ફરિયાદ કરશો નહીં કે મને શનિ નડે છે. શનિ બસ એટલું કહે છે, સખત મહેનત કરો. શનિને હાર્ડવર્કર્સ ગમે છે. માંઝી પિક્ચરના દશરથ માંઝી જેવા હાર્ડવર્કર્સ.
શનિને પ્રસન્ન કરવા આપણે શનિવાર રહીએ, શનિદેવની પૂજા કરીએ, શનિચાલીસા વાંચીએ, શનિનો મંત્રજાપ કરીએ એ બધું તો ખરું જ. એ સિવાય પણ શનિને પ્રસન્ન કરવાના અમુક પ્રેક્ટિકલ રસ્તા છે.
1. જ્ઞાતિવાદમાં ન માનો. કોઈને ઊંચા-નીચા ન ગણો. જે લોકો તેમની આર્થિક-સામાજિક સ્થિતિને કારણે તમારાથી પાછળ છે તેમનું ધ્યાન રાખો.
2. સફાઈકર્મીઓનો આદર કરો. તેમને મદદ કરો.
3. ભિક્ષુકોને દાન આપો.
4. વૃદ્ધોને પ્રસન્ન કરો.
5. ગરીબોને મદદ કરો.
6. બને તો જાતે સાફ-સફાઈ કરો.
7. ક્લાસ-4ના કર્મચારીઓને માન આપો. તેમને મદદ કરો.
8. ક્યારેય વચન ન તોડો.