આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ 25મી ઓક્ટોબર 2022ના રોજ લાગશે. 27 વર્ષ બાદ દિવાળી પર સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. તહેવારની આસપાસ સૂર્યગ્રહણ આવે તે બિલકુલ શુભસંકેત નથી. સૂર્યગ્રહણ ખંડગ્રાસ હશે. દેશમાં ગ્રહણનો કુલ સમય ચાર કલાક ત્રણ મિનિટનો હશે. બપોરે 2.29 વાગ્યે ગ્રહણ શરૂ થશે અને સાંજે 6.32 વાગ્યે સમાપ્ત થઈ જશે. બપોરે 4.30 વાગ્યે ગ્રહણ તેની ચરમસીમા પર હશે. ગુજરાતમાં સાંજે 4.27થી દેખાવાનું શરૂ થશે. સૂર્યગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થશે. આથી ગ્રહણ પછીના છ મહિના સુધી કોઈ પણ મુહુર્તમાં સ્વાતિ નક્ષત્ર વર્જિત ગણાશે. ભારતમાં ગ્રહણની સમાપ્તિ પહેલાં જ સૂર્યાસ્ત થઈ જશે આથી સૂર્યાસ્તને જ ગ્રહણની સમાપ્તિ માનવામાં આવશે. ગ્રહણ પહેલાં 12 કલાકથી સૂતક શરૂ થશે, જે ગ્રહણ પૂરું થવા સાથે સમાપ્ત થઈ જશે.
ધર્મગ્રંથો પ્રમાણે સૂતકકાળ દરમિયાન મૂર્તિ પૂજા થતી નથી. ખાવા-પીવાની ચીજોમાં તુલસીપત્ર અથવા દર્ભ રાખવામાં આવે છે. ગ્રહણ ચાલતુ હોય ત્યારે બાળક, વૃદ્ધ અને દર્દી સિવાયના લોકો માટે પાણી સુદ્ધા વર્જિત છે. ગ્રહણ બાદ સ્નાન કરવું પડે છે તથા ઘરનું પાણી બદલવું પડે છે. સૂર્યગ્રહણ દરમિયાન કોઈ નવું કાર્ય કરવું જોઈએ નહીં. જો શક્ય બને તો કામમાંથી નિવૃત્તિ લઈ અને પ્રભુ ભક્તિ કરવી જોઈએ. સૂર્યગ્રહણ વખતે ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. ગ્રહણ દરમિયાન આંખની સમસ્યા અથવા પાચનતંત્રને લગતી સમસ્યા થવાની શક્યતા રહે છે. સૂર્ય એ રોગપ્રતિકારક શક્તિનો કારક હોવાથી ઈમ્યુન સિસ્ટમ કમજોર પડી શકે છે. સૂર્યગ્રહણ અમાસ પર થતું હોવાથી મન બેચેની અનુભવી શકે છે. ગ્રહણ દરમિયાન કઈ રાશિના જાતકોને શું અસર થશે તે જોઈએ-
મેષઃ તમારી કુંડળીમાં સપ્તમ સ્થાનમાં ગ્રહણ થશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય સાચવવું. ભાગીદારીને લગતી બાબતોમાં સાવધાન રહેવું. પ્રેમ સંબંધને લગતી બાબતોમાં પણ સાવચેતી રાખવી. સટ્ટાકિય પ્રવૃત્તિથી બચવું.
વૃષભઃ તમારી કુંડળીમાં છઠ્ઠા સ્થાનમાં સૂર્યગ્રહણ થશે. બિનજરૂરી વાદવિવાદમાં ન ઉતરવું. લોન ન લેવી. મિલકત સંબંધિત પ્રશ્નો ટાળવા. માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
મિથુનઃ તમારી કુંડળીમાં પાંચમા સ્થાનમાં ગ્રહણ થશે. તમને આ ગ્રહણના શુભ પરિણામ પણ મળી શકે છે. તમારી મહેનતનો અંત આવી શકે છે. નાના ભાઈ બહેનનું સ્વાસ્થ્ય સાચવવું. સંતાનોની કાળજી લેવી. પ્રેમ સંબંધ, સટ્ટો ઈત્યાદિ બાબતોથી સંભાળવું. સંતાનોની કાળજી લેવી.
કર્કઃ તમારી કુંડળીમાં ચોથા સ્થાનમાં ગ્રહણ થશે. માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. વાણી પર સંયમ રાખવો. ખોટા ખર્ચથી બચવું. મિલકત સંબંધિત વિવાદોથી બચવું.
સિંહઃ તમારી કુંડળીમાં ત્રીજા સ્થાનમાં સૂર્યગ્રહણ લાગી રહ્યું છે. નાના ભાઈ-બહેનની કાળજી લેવી. તમારું પોતાનું સ્વાસ્થ્ય પણ સાચવવું. આ ગ્રહણ તમારા પરિશ્રમનો અંત લાવી શકે છે. પ્રવાસ કરવાનું ટાળવું. તમને ધનલાભ થઈ શકે છે.
કન્યાઃ તમારી કુંડળીમાં બીજા સ્થાનમાં ગ્રહણ થશે. પૈસાની બાબતમાં મિશ્ર પરિણામ મળી શકે છે. મોટો લાભ થાય એવું પણ બને. પરિવારની કાળજી લેવી.
તુલાઃ તમારી કુંડળીમાં પ્રથમ સ્થાનમાં સૂર્યગ્રહણ થશે. મોટા ભાઈ બહેનની કાળજી લેવી. કોઈ પણ પ્રકારનું આર્થિક જોખમ લેવાનું ટાળવું. સ્વાસ્થ્યની કાળજી લેવી. જીવનમાં મોટા પાયાના પરિવર્તનો આવી શકે છે.
વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં બારમા સ્થાનમાં સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. તમારે આ સૂર્યગ્રહણમાં સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે. કારકિર્દીમાં પરિવર્તન આવી શકે છે. વાહન ચલાવવાનું ટાળજો. નાના ભાઈનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્યની કાળજી લેવી. પ્રવાસ કરવાનું ટાળવું.
ધનઃ તમારી કુંડળીમાં 11મા સ્થાનમાં ગ્રહણ થઈ રહ્યું છે. માતા-પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. નવા સાહસો ન કરવા. આર્થિક જોખમો ખેડવા નહીં. કર્જામાંથી રાહત મળી શકે છે.
મકરઃ તમારી કુંડળીમાં દસમા સ્થાનમાં સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. લાંબા ગાળાની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. કારકિર્દીમાં નવા પ્રયોગો ન કરવા. સંતાનોની કાળજી લેવી. સટ્ટા અને પ્રેમ સંબંધમાં સાચવવું. જીવનસાથીની કાળજી લેવી.
કુંભઃ તમારી કુંડળીમાં ભાગ્ય સ્થાનમાં સૂર્યગ્રહણ થશે. લાંબા અંતરની યાત્રા ટાળવી. પત્નીના સ્વાસ્થ્યની કાળજી લેવી. ભાગીદારી સંબંધિત વિવાદોથી બચવું. કર્જામાંથી મુક્તિ મળી શકે છે. શત્રુઓનો નાશ થશે. માતા-પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
મીનઃ તમારી કુંડળીમાં આઠમા સ્થાનમાં સૂર્યગ્રહણ થશે. કર્જામાંથી કે લાંબા ગાળાની બીમારીમાંથી મુક્તિ મળશે. શત્રુઓનો નાશ થશે. તો પણ નવા આર્થિક જોખમો ખેડવા નહીં. આવકમાં ફેરફાર થઈ શકે છે. પરિવારની કાળજી રાખવી.
સૂર્યગ્રહણની દરેક વ્યક્તિને અસર થાય એવું જરૂરી નથી. જ્યારે ગોચર ગ્રહોની સાથે જે-તે વ્યક્તિની મહાદશા અને અંર્તદશા તાલ મિલાવે ત્યારે જ તેના જીવન પર ગ્રહોની સારી કે નરસી અસર થાય છે આથી બિનજરૂરી વહેમ કે ચિંતામાં પડ્યા વિના પ્રભુ ભક્તિ કરવી. ગ્રહણ દરમિયાન થાય એટલા ગાયત્રી મંત્ર કરવા, સૂર્યના જાપ કરવા. ગ્રહણ દરમિયાન ગોળ, ઘઉં, તાંબુ ઈત્યાદિનું દાન કરવું.
ગ્રહણ દરમિયાન કરેલું દાન ભૂમિ દાન સમાન ગણાય છે. તે માટેનો શ્લોક આ પ્રમાણે છે.
सर्वभूमि समं दानं, सर्व ब्रह्मसमा द्विजाः ।
सर्वगंगा समं तोयं ग्रहणे चंद्र सूर्ययो ।।
2019 અને 2020માં સૂર્યગ્રહણ થયું ત્યારે દુનિયાભરમાં તેની નકારાત્મક અસર જોવા મળી હતી. આ ગ્રહણ ભારત, પશ્ચિમ એશિયા, યુરોપ, ઉત્તર આફ્રિકા અને પૂર્વ આફ્રિકામાં દેખાવાનું છે. ગ્રહણ પછીના 40 દિવસ સુધી આ બધા વિસ્તારમાં અશાંતિ વ્યાપશે.
ॐ घृणि सूर्याय नमः
ગ્રહણ દરમિયાન આ મંત્રના થાય એટલા જાપ કરો. બાકી કોઈ ચિંતા વિના આનંદ કરો. ભગવાન સહુનું ભલું કરે.
એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા
અમારું કન્સલ્ટેશન બુક કરવા માટે 88661 88671 પર કોલ અથવા વોટ્સએપ કરો.