હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. 26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે માતાજીનું આગમન હાથીની સવારીથી થઈ રહ્યુ છે. માતાનું હાથી પર આગમન સારા વરસાદ, ખુશાલી અને સમૃદ્ધિનો સંકેત છે. પરમ શક્તિ મા દુર્ગાની આરાધનાને સર્વોત્તમ માનવામા આવી છે. આ વર્ષે નવરાત્રિ પૂરા નવ દિવસોની છે અને તેનું સમાપન 5 ઓક્ટોબરે વિજયાદશમી પર થશે. શારદીય નવરાત્રિનું મહત્ત્વ સૌથી વધારે હોય છે. માન્યતા છે કે ભગવાન રામે પણ શારદીય નવરાત્રિમાં દેવીને પ્રસન્ન કરીને વિજયાદશમીના દિવસે રાવણનો વધ કર્યો હતો. આમ તો મા દુર્ગા હંમેશા પોતાના ભક્તો પર કૃપા વરસાવતી જ રહે છે, પણ નવરાત્રિમાં રાશિ પ્રમાણે ઉપાય કરવાથી એમની વિશેષ કૃપા મળી રહે છે. તો આવો જાણીએ નવરાત્રિમાં રાશિ અનુસાર ઉપાય અને પૂજાવિધિ.
મેષ રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય
મેષ રાશિના જાતકો માટે સ્કંદ માતાની પૂજા વિશેષ ફળદાયી રહેશે. તમારે માતાજીને દૂધથી બનેલી કોઈપણ મીઠાઈ અથવા ખીર ધરાવવી જોઈએ. તેમજ લાલ પુષ્પ અર્પણ કરીને સિદ્ધ કુંજિકા સ્તોત્રનું પઠન અચુક કરવું જોઈએ. આટલુ કરવાથી તમારા પર સ્કંદ માતાના આશીર્વાદ રહેશે.
વૃષભ રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય
વૃષભ રાશિના જાતકોએ આ નવરાત્રિએ સફેદ ચીજ-વસ્તુઓનો પ્રયોગ કરીને મહાગૌરીની આરાધના કરવી જોઈએ. એ વૃષભ રાશિના જાતકો માટે ખુબ જ શુભ રહેશે. સાથોસાથ સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે.
મિથુન રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય
મિથુન રાશિના જાતકોએ મા દુર્ગાના બ્રહ્મચારિણી રુપની પૂજા કરવી જોઈએ. એનાથી ઘરમાં સુખ-શાંતિનું આગમન થશે. મા બ્રહ્મચારિણીને ખાંડ અને પંચામૃતનો પ્રસાદ ધરાવવાથી શુભ ફળ મળશે. આ નાનકડા ઉપાયથી આ રાશિના લોકો પર મા બ્રહ્મચારિણીની વિશેષ કૃપા રહેશે.
કર્ક રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી આ રાશિના જાતકોએ મા શૈલપુત્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમને દહીં, ભાત અને પતાશા ધરાવવા જોઈએ. જો તમને કોઈ શારિરીક કષ્ટ હશે તો આ પ્રયોગ કરવાથી તમને એમાંથી મુક્તી મળશે. મા દુર્ગાની સાથોસાથ તમારે ભગવાન શિવની પણ ઉપાસના કરવી જોઈએ.
સિંહ રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય
સિંહ રાશિના જાતકોને જો આર્થિક સમસ્યા હોય તો તેમણે આ નવરાત્રિએ માતા કુષ્માંડાની પૂજા-અર્ચના કરવી જોઈએ. માતાને કેસર અર્પણ કરીને કપૂરથી આરતી કરવી જોઈએ. આ ઉપરાંત દુર્ગા સપ્તશતિનો પાઠ અવશ્ય કરવો જોઈએ.
કન્યા રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય
કન્યા રાશિના વ્યક્તિઓ માટે બ્રહ્મચારિણી સ્વરુપની સાચા મનથી પૂજા કરવી વિશેષ ફળદાયી સાબિત થઈ શકે છે. માતાને દૂધ-ચોખાની ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ. આમ કરવાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે.
તુલા રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય
તુલા રાશિના જાતકોએ આ નવરાત્રિમાં દુર્ગા સપ્તશતિનો પાઠ અચૂક કરવો જોઈએ. એટલું જ નહીં, પણ માતા મહાગૌરીને લાલ ચૂંદડી પણ ચડાવવી જોઈએ. આવું કરવાથી તમારા પરિવારમાં હર્ષોલ્લાસ અને સુખ-શાંતિનું વાતાવરણ બનશે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય
વૃશ્ચિક રાશિના જાતકોએ દુર્ગા માતાના કાલરાત્રિ સ્વરુપની પૂજા કરવી જોઈએ. એ તેમના માટે લાભદાયી રહેશે. નવરાત્રિના નવેય દિવસ સવાર-સાંજ આરતી કરવાનું ભુલશો નહીં. આ ઉપરાંત માતાને ફૂલ ચડાવીને ગોળનો પ્રસાદ ધરવાનું પણ ભૂલતા નહીં.
ધન રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય
ધન રાશિના જે લોકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તેમણે નવરાત્રિમાં દુર્ગા સપ્તશતિનો પાઠ કરવો જોઈએ. આ ઉપરાંત માતાને પીળા રંગની કોઈપણ મીઠાઈ અને તલનું તેલ ચડાવવું.
મકર રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય
મકર રાશિના જાતકોએ પોતાની મનોકામનાની પૂર્તિ માટે મા કાત્યાયનીને નાળિયેરની બરફીનો પ્રસાદ અચુક ધરાવવો જોઈએ. નવરાત્રિના સમયમાં આ ઉપાય તમારા માટે ખુબ જ શુભ રહેશે.
કુંભ રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય
કુંભ રાશિના જાતકો માટે માતા અંબાના કાલરાત્રિ સ્વરૂપની પૂજા લાભકારક રહેશે. સાથોસાથ દેવી કવચનો પાઠ કરવાથી ખર્ચા ઘટશે. ઘરમાં બે જગ્યાએ તેલનો દીવો કરવો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.
મીન રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય
મીન રાશિના જાતકોએ નવરાત્રિમાં નવ દિવસ સુધી દુર્ગા સપ્તશતિનો પાઠ કરવો જોઈએ અને મા ચંદ્રઘટાને કેળાં તેમજ પીળા ફૂલ અચુક અર્પણ કરવા જોઈએ. આ નાનકડા ઉપાયથી માતા તમારા તમામ દુ:ખો હરી લેશે.