fbpx

શુક્ર તુલા રાશિમાં સ્વગૃહી બન્યો: કઈ રાશિના જાતકોને શું અસર થશે?

શુક્ર તુલા રાશિમાં સ્વગૃહી બન્યો: કઈ રાશિના જાતકોને શું અસર થશે?

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને મંત્રીની સંજ્ઞા આપવામાં આવી છે. તે વાહન અને પત્નીનો કારક છે. ભોગવિલાસ, પ્રેમ, આકર્ષણ, કળા, સેક્સ, સંબંધો અને તમામ પ્રકારના ભૌતિક સુખોનો કારક ગ્રહ છે. બીજી ઓક્ટોબરથી શુક્ર અસ્ત છે અને 20મી નવેમ્બરે ઉદિત થવાનો છે. જ્યારે કોઈ ગ્રહ અસ્ત હોય ત્યારે તેના ફળમાં કમી આવે છે, પરંતુ તે આંશિક ફળ તો આપે જ છે. આવા શુક્ર મહારાજે 18 ઓકટોબર 2022ના રાત્રે 9.25 વાગ્યે તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તેઓ 11 નવેમ્બર 2022ના સાંજે 7.55 સુધી રહેવાના છે. તુલા રાશિમાં શુક્ર સૂર્ય અને કેતુ સાથે યુતિ કરી રહ્યો છે અને શનિની 10મી દ્રષ્ટિ તેના પર પડી રહી છે. આ દરમિયાન વિવિધ રાશિના જાતકો પર શું અસર થશે તે જોઈએ-

મેષઃ તમારી કુંડળીમાં શુક્ર સપ્તમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. સાતમું સ્થાન દામ્પત્ય જીવન, પાર્ટનરશીપ તથા અન્ય સાથે મિલન-મુલાકાતનું સ્થાન હોવાથી આ સમયમાં તમે વધારે મળતાવડા બનશો. સંઘર્ષ પછી સંબંધો કેળવવામાં સફળતા મળશે. શુક્રની સાથે સૂર્ય પણ બેઠો હોવાથી પત્ની અને ભાગીદાર સાથે અહમના ટકરાવથી બચવું. શુક્રની સાથે કેતુ પણ બેઠો છે આથી સંબંધોમાં જેટલી ધાર્મિકતા અથવા આધ્યાત્મિકતા ઉમેરાશે તેટલા તે મજબૂત બનશે. આ સમયમાં તમે વધારે રોમેન્ટિક બનશો. સાંસારિક સુખ તરફનો તમારો ઝુકાવ વધશે. આર્થિક લાભમાં વૃદ્ધિ થઈ શકે છે.

વૃષભઃ તમારી કુંડળીમાં શુક્ર છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમય દરમિયાન તમે જૂના વાદવિવાદોનો વાતચીત દ્વારા ઉકેલ લાવશો. હસતા-હસતા જવાબદારી ઉપાડશો. તમે પ્રોપર્ટી માટે કે વાહન માટે લોન લઈ શકો છો. મોજશોખ માટે ખર્ચ વધશે. ગૃહસ્થ જીવન વધારે સુખી બનશે. સેવાકાર્યોમાં વૃદ્ધિ થશે.

મિથુનઃ તમારી કુંડળીમાં શુક્ર પંચમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમારા સંતાનો વધારે ક્રિએટીવ બનશે. તમે વધારે રોમેન્ટિક બનશો. સંતાનો અથવા પ્રેમી પાછળના ખર્ચમાં વૃદ્ધિ થશે. આધ્યત્મ તરફનો તમારો ઝુકાવ વધશે. બોસ અથવા નાના ભાઈ બહેન સાથે સારો સમય વિતાવશો.

કર્કઃ તમારી કુંડળીમાં શુક્ર ચતુર્થ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે વાહનની ખરીદી કરી શકો છો. ઘરમાં સુખ-સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થશે. આનંદ-પ્રમોદમાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ વધશે. કારકિર્દી તરફ તમે વિશેષ ધ્યાન આપશો. ઘરના સભ્ય સાથે અહમનો ટકરાવ ટાળશો. લાંબા અંતરની યાત્રા પણ થઈ શકે છે.

સિંહઃ તમારી કુંડળીમાં શુક્ર ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે તમારાથી નાની ઉંમરના લોકોની કંપની માણી શકો છો. કારકિર્દી અર્થે નાના અંતરની યાત્રાઓ થશે. માર્કેટીંગ અને કોમ્યુનિકેશન પાછળ વધારે સમય વિતાવશો. સાહસ ખેડવામાં આનંદનો અનુભવ કરશો. કલાના ક્ષેત્રમાં રૂચિ વધશે.

કન્યાઃ તમારી કુંડળીમાં શુક્ર બીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. પારિવારીક સુખમાં વૃદ્ધિ થશે સાથોસાથ ખર્ચા પણ વધશે. પરિવારના સભ્યો સાથે અહમનો ટકરાવ ન થાય તેનું ધ્યાન રાખવું. આર્થિક લાભ થશે. ઈચ્છા ન હોવા છતાં ઘરથી દૂર જવાનું થઈ શકે છે.

તુલાઃ તમારી કુંડળીમાં શુક્ર પ્રથમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થશે. સુખ-સુવિધાના સાધનો વધશે. જીવનમાં મોટા પાયાના પરિવર્તનો આવશે. મોજશોખમાં સમય પસાર કરશો. માતાના સ્વાસ્થ્ય લઈને ચિંતાનો અનુભવ થઈ શકે. જો તમે બિઝનેસ કરતા હશો તો આ સમય તમારા માટે વધારે સારો છે.

વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં શુક્ર વ્યય સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ખર્ચમાં વૃદ્ધિ થશે. લાંબા અંતરની યાત્રાઓ વધશે. વિદેશ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ અને ઓનલાઈન વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. જીવનસાથીથી દૂર જવાનું થશે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

ધનઃ તમારી કુંડળીમાં શુક્ર 11મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થશે. લાભમાં વૃદ્ધિ થશે. કોઈ જૂની ઇચ્છા પૂરી થશે. તમે વધારે સામાજિક બનશો. રાજનીતિ કે શેરબજાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. લાંબા અંતરની યાત્રાથી લાભ થશે.

મકરઃ તમારી કુંડળીમાં શુક્ર દસમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. રાજનીતિ સાથે સંકળાયેલા લોકોને લાભ થશે. તમારી મહેનત રંગ લાવશે. તમારી નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે. કારકિર્દી તરફ તમે વધારે ફોકસ કરશો.

કુંભઃ તમારી કુંડળીમાં શુક્ર ભાગ્યસ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ભાગ્ય તમારો સાથ આપશે. પત્ની અને ભાગીદારને સાથે રાખીને ચાલશો તો લાભ થશે. સપરિવાર લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. ધર્મસ્થળોની મુલાકાત લેવામાં તમે આનંદનો અનુભવ કરશો.

મીનઃ તમારી કુંડળીમાં શુક્ર અષ્ટમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આધ્યાત્મમાં રૂચિ વધશે. જીવનમાં મોટાપાયાના પરિવર્તન આવશે. અચાનક પ્રગતિનો લાભ મળશે. આરોગ્ય સાચવજો. પિતા અને નાના ભાઈ-બહેનની કાળજી રાખવી. જેટલા આધ્યાત્મ તરફ ઢળશો એટલા વધારે સારા પરિણામ મળશે.

એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા

અમારું ફોન કન્સલ્ટેશન બુક કરવા માટે કોન્ટેક્ટ કરો

88661 88671

Recent Post

Scroll to Top