શનિ અને અમેરિકાના અશ્વેત આંદોલનો
તમારી જન્મકુંડળીમાં શનિ જે સ્થાનમાં બેઠો હોય ત્યાં તમે વિદ્રોહ કરો છો. શનિ બળવાખોર છે. કુંડળીમાં 10મું સ્થાન સરકારનું સ્થાન છે. જ્યારે શનિ (કાળ પુરુષની કુંડળીમાં) 10મા સ્થાનમાં આવવાનો હતો ત્યારે જ અનેક જાણતલ જોશીડા આગાહી કરવા લાગેલા કે વિશ્વભરમાં સરકાર સામે આંદોલનો શરૂ થશે. ને જુઓ.. હોંગકોંગ હોય, અમેરિકા હોય કે બ્રિટન અનેક જગ્યાએ આપણે વિરોધ પ્રદર્શનો જોયાં. અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડ નામના અશ્વેત આધેડની હત્યા થઈ. તે પછી હજારો લોકો સડક પર ઊતર્યા અને સતત આંદોલન ચાલુ છે. શનિ વિવિધ જાતિઓ(Races, not castes)નું પ્રતિનિધિત્વ કરે છે. તેમાંથી એક છે આફ્રિકાના અશ્વેતો. ને આશ્ચર્ય તો જુઓ, આફ્રો-અમેરિકન અશ્વેતો અમેરિકન પોલીસ વિરુદ્ધ, ટ્રમ્પ સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. આ છે જ્યોતિષની કમાલ. તમારા જન્મના ગ્રહો અને ગોચરમાં ઘૂમતા ગ્રહોનું કોમ્બિનેશન મોટા ભાગનું ચિત્ર દેખાડી દે છે. આગામી બે વર્ષ સુધી શનિ મકરમાં રહેવાનો છે. ત્યાં સુધી સત્તાધીશોની ઊંઘ હરામ રહી શકે છે.
શનિ એ શ્રમનું પ્રતિક છે. 10મું સ્થાન સરકારનું. શનિ 10મા સ્થાનમાં આવતા સરકારોને કોરોનાને કારણે પારાવાર શ્રમ કરવો પડી રહ્યો છે. શનિની સાથે મંગળની યુતિ થતા તબીબો પર હુમલા થવા લાગ્યા. કારણ કે મંગળ હિંસાનો કારક છે. શનિ મંગળની યુતિ છૂટી પડી જતા હિંસક હુમલા બંધ થઈ ગયા. આ જ્યોતિષની મજા છે. આપણા ઋષિમુનિએ સહસ્ત્રાબ્દીઓ પહેલા સખત અભ્યાસ અને મેડિટેટીવ પાવર દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન આજે પણ અજર છે.
એસ્ટ્રોપથ
કુલદીપ કારિયા