fbpx

સોલર મિનિમમ: જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ

સોલર મિનિમમ: જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ

સોલર મિનિમમઃ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ…

ખગોળ વિજ્ઞાન અનુસાર અત્યારે સોલર મિનિમમની ઘટના ઘટી રહી છે. સૂર્ય પર બહુ લાંબા સમયથી એક પણ સનસ્પોટ જોવા મળી રહ્યો નથી. તેના કારણે સૂરજની ગરમી ઘટી છે. જ્યોતિષમાં સૂર્ય સરકાર, સત્તા અને રાજનીતિનો કારક છે. આધુનિક વિજ્ઞાન અને જ્યોતિષ બંનેનો તાળો બહુ અદ્ભુત રીતે આપણને મળી રહ્યો છે. કેવીરીતે? એ જાણતા પહેલા સોલર મિનિમમ અને સોલર મેક્સિમમ શું છે એ ટૂંકમાં સમજી લો. સોલર મિનિમમ એટલે સૂર્ય પર એક પણ સનસ્પોટ જોવા ન મળે. પરિણામે તેમાંથી ગરમીનું ઉત્સર્જન ઘટે. તેનાથી ઊલટું, સોલર મેક્સિમમ દરમિયાન સૂર્ય પર સૌથી વધુ સનસ્પોટ સર્જાતા હોય છે. તે સમયગાળામાં સૂર્ય સૌથી વધુ ગરમી ફેંકે છે. આ સાયકલ 11 વર્ષના અંતરાલે અવિરત ચાલતી રહે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો સૂર્ય નબળો એટલે સરકાર નબળી. તો અત્યારે દુનિયાભરમાં એ જ તો થઈ રહ્યું છે. વિશ્વના મોટા-મોટા દેશોની સરકાર કોરોના સામેની લડતમાં વામન પુરવાર થઈ રહી છે. સરકારનો કંટ્રોલ ઘટ્યો છે. 2014માં સોલર મેક્સિમમની સ્થિતિ હતી. ત્યારે 81 સનસ્પોટ જોવા મળેલાં. ને ત્યારે જ ભારતમાં સ્પષ્ટ બહુમતવાળી શક્તિશાળી સરકાર સત્તામાં આવી. વિજ્ઞાનીઓ એવી આગાહી કરી રહ્યા છે કે 2022-23માં જબ્બર સોલર મેક્સિમમની સ્થિતિ સર્જાશે. ત્યારે 130 સૌરકલંક જોવા મળે તેવો અંદાજો છે. એના પરથી એવું અર્થઘટન કરી શકાય કે અત્યારે નબળી પડેલી સરકારો 2022-23માં પુનઃ શક્તિશાળી બનશે.

અમુક સોલર મિનિમમ વધારે લાંબા ચાલે છે. આ વખતે જોવા મળેલું સોલર મિનિમમ 100 વર્ષમાં સૌથી લાંબું પુરવાર થશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ને સરકારોને પણ સદીમાં એકાદ વખત જોવા મળે એવી મહામારી સામે ઝીંક ઝીલવાની આવી છે. સૂર્ય સરકારી નોકરીઓનો પણ કારક છે. શું એ આશ્ચર્યની વાત નથી કે જ્યારે સદીનું સૌથી મોટું સોલર મિનિમમ સર્જાવાની અણી પર છે ત્યારે સરકારે નવી સરકારી ભરતીઓ સ્થગિત કરી દીધી છે?

એસ્ટ્રોપથ

કુલદીપ કારિયા

Recent Post

Scroll to Top